Tuesday, December 7, 2021

૪.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 અત્યાર સુધી બધું ઠીકઠાક ચાલતું રહ્યું, પરંતુ કહેવાતા આધુનિક શિક્ષણે લોકોને એક એવી સ્થિતિમાં લાવી મુક્યા જ્યાં નીતિ અને નિયમોને એક અલગ જ બાબત ગણી એને મૂળભૂત શિક્ષણથી વેગળુ કરી દેવામાં આવ્યા અને નવી શિક્ષણનીતિના પ્રણેતાઓએ આધુનિક જગત માટે એમની શિક્ષણ નીતિ શ્રેષ્ઠ છે એવો પ્રચાર પ્રચલિત કરી દીધો અને એમાં એવો સફળ રહ્યા. આવું શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકો પણ પોતે "ભણેલા ગણેલા" છે એવા ભાવ સાથે સમાજમાં માનસન્માન પામતા ગયા.  આ આધુનિક શિક્ષણ આખા માનવસમાજ પર હાવી થઈ ગયું.જેનો કોઈ પર્યાય આજના માનવી પાસે દેખાતો નથી અને આવા શિક્ષણના પુરસ્કર્તા અને હિમાયતી એવા લોકો પોતાની આ નીતિઓ પર મુસ્તાક છે!! 

આનાથી વિરુદ્ધ કેટલાક લોકો માનવીય મૂલ્યોનું રક્ષણ કરવા હેતુ પોતાના સંઘટનો બનાવતા ગયા કારણકે ધાર્મિક મૂલ્યોનું કે માનવીય નીતિઓનું આજના આધુનિક યુગમાં કોઈ મૂલ્ય નહોતું આવા ધાર્મિક માન્યતા ધરાવનાર લોકો હાંસિયા માં ધકેલાઇ ગયા. આધુનિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ કે માન્યતા એવા બે ભાગ પડી ગયા.. ધાર્મિક માન્યતા વાળા જુનવાણી ગણાવા લાગ્યા અને આધુનિક શિક્ષણ વૈશ્વિક સ્તરે વિકસતું ગયું આજના માણસ પાસે આના સિવાય બીજો પર્યાય નહોતો, જેનાથી માનસિક શાંતિ હણાતી ગઈ.

પરંતુ માનવસ્વભાવ, અને ખાસ કરીને કહેવાતો શિક્ષિત માનવસ્વભાવ, પોતાને ગમ્યું અને પોતાને જેટલું સમઝમાં આવ્યું એને જ સત્ય છે, એમ માની બીજા બધાની માન્યતાનો છેદ ઉડાવતો ગયો, જેમાં ધાર્મિક સંઘટનો કે પંથ મોખરે રહ્યા, આવા માનવીઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે કોઈપણ હદે જવા તૈયાર થયા..જેને કારણે કટ્ટરવાદ અસ્તિત્વમાં આવ્યો દરેક વ્યક્તિ પોતાની માન્યતા કે ધર્મ બીજા પર થોપવા માટે તૈયાર હતો જેઓ એમની વાતોમાં આવતા ગયા એમનો સાથ સહકાર લઈને પોતાની કટ્ટરતા બીજા અનુયાયીઓને આપતો ગયો અને આ કટ્ટરવાદ એવો વકર્યો, કે સમાજમાં શાંતિ નિર્માણ કરવાને બદલે અશાંતિનો માહોલ નિર્માણ થયો. જેઓ ખૂબ જ વિલક્ષણ બુદ્ધિ ધરાવતા તથા પ્રભાવશાળી વાણી ધરાવતા હતા એવા લોકો, બીજા એમનાથી ઓછી સમજ ધરાવનાર પર સિકંજો જમાવતા ગયા, આવા ઓછી સમજ ધરાવનાર અને વિવેકહીન લોકોએ સમાજની અવ્યવસ્થા નિર્માણ કરવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે!!

...વધુ આગલા લેખમાં😊

આભાર.

No comments: