Friday, December 10, 2021

૧.૪ માનવ, ધર્મ અને માનવધર્મ



ધર્મ માણસને, માણસ સાથે જોડાવા માટે હતો, પરંતુ આજના પ્રચલિત ધર્મો, એક માણસને બીજા માણસ થી વધુ દૂર કરવામાં કારણભુત બન્યા છે. જોકે, ખરા અર્થમાં આપણે ખરા ધર્મ ના હાર્દ ને સમજ્યા જ નથી..એનું કારણ, કેટલાક અધૂરા અને અર્ધજ્ઞાની લોકોએ આ બાબતે સમાજમાં અજાણતાં જ,ગેરસમજ ફેલાવવાનું કાર્ય કર્યું છે. તેથી આજનો મનુષ્ય કર્મકાંડો ને જ ધર્મ સમજી બેઠો,અને ખરા ધર્મ કે એના પાછળ ના વિજ્ઞાન ને સમજવાનો, કહેવાતા ધાર્મિક લોકોએ પ્રયત્ન જ ના કર્યો, અને અધૂરી સમજને લીધા બીજાઓને આ બાબતે સમજાવી પણ ના શક્યા.

ધર્મ ખરી રીતે જુઓ તો મનુષ્ય અને ઈશ્વરના અનુસંધાનમાં છે. પરંતુ સામાન્ય મનુષ્યે ઈશ્વર ને સમજવાની તસ્દી લીધી જ નહીં...એના કારણે આ બાબતમાં એનું અજ્ઞાન વધુ ગાઢ બન્યું, જેથી તકસાધુ અને લેભાગુ ધાર્મિક આગેવાનો વધુ સક્ષમ બન્યા. જેઓએ સામાન્ય માણસ ના મન પર પોતાનો એવો અડીંગો જમાવ્યો કે, તેઓ જે કહે એજ સત્ય છે એવી સમજ કેળવાતી ગઈ. અને સામાન્ય માણસે એમની દરેક વાતોને , પોતાની વિવેકશક્તિથી સમજવાનો પ્રયત્ન પડતો મુક્યો. આવું થવાથી, લોકો અનાયાસે, એક ખોટી પરંપરાને પ્રચલિત કરવાના કાર્યમાં જોતરાય ગયા.

આપણે અધ્યાત્મ ને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ....
જોકે મનુષ્ય ખરા અર્થમાં આધ્યાત્મિક જ છે.

રમેશ મિસ્ત્રી
તા.૦૨.૦૭.૨૦૧૯ ગુરુવાર ના રોજ સંઘપ્રદેશ દિવ દમણ ના અગ્રેસર દૈનિક "વર્તમાન પ્રવાહ"માં છપાયું.


૧.૩ માનવ, ધર્મ અને માનવધર્મ


 પ્રથમ આ મનને શાંત કરવું જોઈએ, જેના થકી દરેક બાબતોને એના ખરા અર્થમાં સમજી શકાય.આવી સાચી સમજ એજ શિક્ષણ!!

આજનું આપણું શિક્ષણ, આપણી ધાર્મિક સમજ અને દરેક સમજને સમજવા માટેનો, આપણો વૈજ્ઞાનિક અભિગમ આમાં અવશ્ય સહાયભૂત થઈ શકે છે. ઈન્ટરનેટ ના આ યુગમાં આ વધુ શક્ય બન્યું છે.  દુનિયાના કોઈપણ ખૂણામાં થતી ગતિવિધિઓથી, આપણે માહિતગાર રહીએ છીએ. ગુગલ પર દરેક પ્રકારની માહિતી અને મંતવ્યો સહજ ઉપલબ્ધ છે. ગુગલબાબા મહાજ્ઞાની છે!!!

કેટલાક લાકો તો સોશિયલ મીડિયા ના વપરાશ અને એની સહજ ઉપલબ્ધીથી વધુ શિક્ષિત બન્યા છે. શિક્ષીત હોવું એટલે ફક્ત ડિગ્રી ધારક બનવું,એવું જરાય નથી!! શિક્ષિત એ એવી દરેક વ્યક્તિ છે, જે વાંચીને સમજી શકે અને સમજીને લખી શકે છે. આપણા મહાન ચિંતકો અને લેખક કે કવિઓ શૈક્ષણિક ડિગ્રીઓની દ્રષ્ટિએ ઓછું ભણેલા હતા, પરંતુ એમની સમજ કે એમના વિચારો અને લખાણો, એ ખરેખર એમના શિક્ષિત હોવાનું પ્રમાણપત્ર છે.

....વધુ આગલાં લેખ ૧.૪ માનવ, ધર્મ અને માનવધર્મ વાંચો

૧.૨ માનવ, ધર્મ અને માનવધર્મ


 ઘણાબધાં એવા પરિબળો છે જે માનવીને વિશ્વમાનવી તરફની દોડમાં અવરોધો ઉભા કરે છે અને સામાજિક એકતાને અવરોધે છે.જેમાં ધર્મ એ એક મુખ્ય બાબત ગણી શકાય.જેમ દરેક બાબતને આપણે સમજવામાં ગેરસમજ ઉભી કરતા હોય છે, એમ ધર્મની બાબતે પણ ગેરસમજ ઉભી થઇ છે, જેના કારણે ધર્મનો ખરો ઉદ્દેશ્ય સ્થાપિતથઈ શક્યો નથી.

માનવી એ એક સામાજિક પ્રાણી છે. માનવ એટલે, જેની પાસે મન છે એ. આ મનના જ કારણે આપણે કોઈપણ કાર્ય માટે પ્રેરિત થતા રહીએ છીએ. આપણી સામાજિક એકતા પૂર્ણપણે,આપણું મન કે આપણી માનસિકતા પર  નિર્ભર છે. શાંત મન હંમેશા શાંતિપૂર્વક વિચાર કે આચરણ કરે છે. જ્યારે અશાંત મન દરેક  પ્રકારના કર્મ કે આચરણ દ્વારા, અશાંતિ જ નિર્માણ કરે છે.સામાજિક એકતા માટે શાંત મન દ્વારા લેવાયેલ નિર્ણય કે સમજ ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે.

...વધુ આગલાં લેખ ૧. માનવ, ધર્મ અને માનવધર્મ વાંચો

૧.૧ માનવ, ધર્મ અને માનવધર્મ


 આજે પૃથ્વી પરના માનવસમાજ ના સભ્ય એવા આપણે, એક માનવ તરીકે, વિશ્વમાનવી બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યા છીએ, ત્યાંરે આપણી માન્યતાઓ અને સંકુચિત વિચારસરણીને કારણે, આપણે પોતાની જાતને વિશ્વ સ્તરે લઈ જઈ  શકયા નથી, જે ખરેખર વિચાર માંગી લે એવી બાબત છે. હવે આ દિશામાં આપણે, આપણી જાતને તૈયાર કરવી જોઈએ.

આપણે એક માનવ તરીકે બીજા માનવીની વિચારધારા કે માન્યતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને એમાંથી જે આપણા માટે સારું કે શ્રેયસ્કર છે, એને અપનાવતા જવું જોઈએ. આપણો ખરો વિકાસ આપણી માનસિકતા ની બંધ બારીઓને ખોલીને વિશ્વમાનવીની દૃષ્ટિને કેળવવાની કળાને સાધ્ય કરવી જોઈએ, જેમાં આપણે ઘરથી, શેરીથી,ગામથી, શહેરથી, દેશથી અને દુનિયાથી આગળ વધીને આખા બ્રહ્માંડ સુધી પોતાની જાતને વિસ્તરવા દેવી જોઈએ, અને આ પ્રયાસ આપણો પોતાનો, બિલકુલ અંગત પ્રયાસ હોવો જોઈએ, જેના સાક્ષી ફક્ત અને ફક્ત આપણે જ છીએ,અને એને પ્રમાણિત કરવા માટે કોઈ બીજાની આવશ્યકતા નથી.  જે સ્વયં પ્રમાણિત હોઈ, આપણી અંગત સાધના છે.

....વધુ આગલાં લેખ ૧.૨ માનવ, ધર્મ અને માનવધર્મ

દશેરા ની યાદગીરી-રાવણ કે રામ


 મિત્રો, આટલા વર્ષોના નિરીક્ષણ પરથી એવું જણાય છે કે દશેરાનો પર્વ આપણે રાવણને યાદ કરવામાં કે એના પૂતલને બાળવાના વિષયમાં એટલા ઓતપ્રોત હોઈએ છીએ કે, અસત્ય પર સત્યના વિજયરૂપ વિજયાદશમી ઉજવવાનું ભૂલી ગયા છીએ જેને કારણે શ્રીરામ ને યાદ કરવાનું તો આપણે ભૂલી જઈએ છીએ અને અનાયાસે આપણામાં રામના ગુણોને બદ્લે રાવણ ના ગુણો ખીલ્યાં છે.  આજના સમાજનું આ એક વરવું રૂપ છે.

 આ અસત્ય પર સત્ય કે અસુર પર સુર ના વિજયની યાદ સાથે, એક વાત સમજવા જેવી છે કે,આટલાં વર્ષોના નિરીક્ષણ પરથી એવું લાગે છે કે આપણે જાણતા-અજાણતા દશેરાની ઉજવણી રાવણ ને યાદ કરીને ઉજવીએ છીએ(આ દિવસે રાવણ જ આપણા ઉજવણીના કેન્દ્રસ્થાને રહે છે), જેના કારણે શરતચુકથી રામ ને યાદ કરવાનું રહી જાય છે!! પરિણામસ્વરૂપ, રાવણના ગુણો આપણામાં વધતા જાય છે. ઈર્ષ્યા, અહંકાર અને સ્વાર્થીપણું જેવા ગુણો, સમય જતાં આપણને રામથી દૂર લઇ જાય છે અને આપણા મન ની શાંતિ હરાઈ જાય છે, આ રાવણ પ્રત્યેની આપણી "માનસિક પૂજા" નું ફળ છે, જે આજે સર્વત્ર આપણને દેખાઈ રહ્યું છે.

તેથી સાધુ કહે છે, *જો સુખ કો ચાહે સદા તો શરણ રામ કી લે* રામનું શરણુંજ સુખનું દ્વાર છે. તેથી આપણે રામનું સ્મરણ કરવું જોઈએ, જેથી રામના દયા, ક્ષમા,પ્રેમ અને સત્યની રક્ષા જેવા ગુણો તરફ આપણું મન આકર્ષિત થવા માંડે અને એ ગુણો આપણી અંદર વિકસવા લાગે, આ ગુણો જ મનુષ્યને સુખ તરફ લઈ જાય છે, જેનાથી પરિવાર માં સુખ અને શાંતિનું વાતાવરણ નિર્માણ થાય.

🕉️ *।। જય શ્રી રામ ।।* 🕉️


બાળક પ્રત્યે આપણી જવાબદારી


 

બાળકનું શોષણ એ એક ગંભીર વિષય છે. જો કે દરેક વ્યક્તિ આ બાબતે ચિંતિત છે પરંતુ પોતાને તેઓ આ બાબતોથી અલગ રાખીને જુએ છે, તેથી મહત્વની બાબત કેટલીક વાર છૂટી જતી હોય છે.

બાળકોનું પ્રાથમિક શોષણ એમના પાલક અથવા માતા પિતા દ્વારા થતું હોય છે, જે ખરેખર ગંભીર બાબત છે પણ સામાન્ય રીતે આ બાબતને સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન ખૂબ જ જૂજ થયો છે એમ કહેવું જરાયે અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય!!

બાળક એક નિર્દોષ અને કોમળ ફૂલની કળી છે જે પોતાના નિર્ધારિત ગુણધર્મો સાથે અવતરે છે, આ ફૂલ ને એના ગુણધર્મ પ્રમાણે ખીલવા દેવાની ક્રિયામાં આપણે જાણ્યે અજાણ્યે અવરોધ ઉભો કરીએ છીએ. જે ફૂલ કમળ થવા માટેની સાંભવના સાથે જન્મ્યું છે, એને ગુલાબ બનવવાની મથામણ આપણાંમાંથી મોટા ભાગના લોકો કરતા હોય છે અને કરતા રહે છે.  આપણા દ્વારા કરાયેલ આ મથામણ ના તો એને ગુલાબ બનાવી શકે છે અને ના એને પૂરું ગુલાબ બનીને વિકસવા દે છે. આ એક આધ્યાત્મિક અવરોધ છે જે પાપ છે.

આ બાબતને દરેક મા-બાપે સમજવું જોઈએ અને બાળકને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.  પરમાત્માએ આપણને સૌને યથાયોગ્ય જ્ઞાન અને સમજ સાથે મોકલ્યા છે, એ સમજણનો પટારો ખોલવાનો અવકાશ આપણને મળે એ પહેલાં એ પટારામાં એવી બધી બિનજરૂરી ભેટો (અનવોન્ટેડ ગિફ્ટસ) આવી પડે છે જેને આપણે અપનાવતા જઇએ છીએ અને અંતે જ્યારે ડહાપણની દાઢ આવે છે, ત્યારે આપણી સમજણનો ખજાનો મળે છે જે વાપરવા માટે આપણે સક્ષમ હોતા નથી.

રમેશ મિસ્ત્રી
૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૧😊
મીરાંરોડ- મુંબઇ


Tuesday, December 7, 2021

શિક્ષણ અને ધર્મ


શિક્ષણ અને ધર્મ


એવું કહી શકાય કે, શિક્ષણ અને ધર્મ બંને,આજ સુધી માનવીય સમાજ માટે પૂર્ણપણે સફળ થયા નથી. માનવીય જીવન હજી પણ પૂર્ણપણે ખીલી શક્યું નથી.

*આજના પ્રચલિત શિક્ષણની ઉપલબ્ધી અને એનો સાર:-*

આજના શિક્ષણે આપણને "ઉંદરડાની દોડ" (રેટ રેસ)માં જોતરી દીધા છે, દરેક વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક લાવવા માટે એના ઘરનાઓથી તેમજ બહારનાઓ દરેક તરફથી પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જો કે વર્ગમાં  પ્રથમ તો કોઈ એક જ આવે છે!! પણ દોડ જબરી લાગી છે, એના કારણે અહીંથી સમજુ નાગરિકોનું નિર્માણ થવાની અપેક્ષાએ મહત્તમ "ગોખણપટ્ટીયા" લોકો નિર્મિત થતા ગયા, જેઓ પાસે પાસિંગ સર્ટીફીકેટસ તો છે પણ વિષયને સમજવાની સમજશક્તિ નથી!!! અને આ કહેવાતા શિક્ષિત લોકો સમાજને ઉપયોગી એવું ભાવનાત્મક જ્ઞાનની કમીને કારણે, સમાજમાં કોઈ પણ પ્રકારની સમરસતા લાવી ના શક્યા!!

*આજના પ્રચલિત ધર્મની ઉપલબ્ધીઓ અને સાર:-*

આજના મોટાભાગના પ્રચલિત ધર્મોએ માણસને સાહસ કરતા રોક્યો છે, અને કલ્પનામાં રાચતો કરી દીધો છે, ઈશ્વર એ એક ડર નો વિષય હોય ફક્ત પ્રાર્થના સુધી સીમિત થઈ ગયો, અધૂરામાં પૂરું, કહેવાતા લેભાગુ અને અર્ધજ્ઞાની તકસાધુઓએ સમાજના મોટાભાગના લોકો પર પોતાનું આધિપત્ય જમાવ્યું. જેના કારણે માણસ પોતાનો આંતરિક વિકાસ કરી ના શક્યો.

*આનો ઉકેલ શુ?* 

....તો જ્યાં સુધી આધુનિક શિક્ષણ,કહેવાતા ધર્મનું વિશ્લેષણ કરી એમાંની સારી બાબતો,જેવી કે નીતિમત્તા અને સનાતન માનવીય મૂલ્યોનો અભ્યાસ કરી શૈક્ષણિક નિતિઓમાં સમાવેશ ના કરે, ત્યાંસુધી આ સંઘર્ષ ચાલતો જ રહેશે એવું લાગે છે, આવું કરવાથી ધર્મને એક વૈજ્ઞાનિક પરિપ્રેક્ષયમાં જોવાની દ્રષ્ટિ કેળવાશે, અને સમાજમાં પરિવર્તન લાવી શકાશે.

વાંચન માટે આભાર🙏😊

૫.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 સાચી સમજ ધરાવનાર વ્યક્તિ અને એમની વિચારસરણી મોટેભાગે બદનામ થતા રહે છે.


આજે આપણે, એટલેકે માનવસમાજ, એક એવા ત્રિભેટે આવીને ઉભો છે, જ્યાં મોટાભાગે લોકો આપખુદ બની ગયા, માણસને માણસની ભાવનાઓની કદર નથી, માણસ માણસની ભૌતિક સિદ્ધિઓને જ એની પ્રગતિ ગણતો અને ગણાવતો ગયો અને આવા સંપત્તિવાન લોકોનો સમાજમાં દબદબો વધ્યો,અને 


રાજકારણી થી લઈને ધર્મ અને સામાન્ય નાગરિક ઉપર એમની પકડ વધી અને જાણ્યે અજાણ્યે સૌ આવા લોકોના ગુલામ બની ગયા જેને કારણે માનવીય મૂલ્યોનો હ્રાસ થયો.

બુદ્ધિજીવી અને વિવેકબુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ આ બધી બાબતોને કારણે મોટી અસમંજસમાં છે, તેઓ અલગ અલગ માધ્યમ થી, જેવાકે લખાણ, પ્રવચન કે ચર્ચાસત્ર યોજી માનવ સમાજને પોતાના વિચારોથી એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સામે પક્ષે વિવેકહીન અને અહંકારી વ્યક્તિઓ એમની વાતોને પોતાની બુદ્ધિ પ્રમાણે સમજે છે અને સમાજમાં પોતાની બુદ્ધિ પ્રમાણે પ્રચાર પ્રસાર કરે છે, અને મોટેભાગે આવા લોકો પોતાની અણઆવડતને કારણે અર્થનો અનર્થ કરી અન્ય લોકો સુધી પ્રચાર કરતા જાય છે...આવા અનુયાયીઓના કારણે ખોટી સમજ અને ખોટી માન્યતાઓ ઉભી થાય છે જેને કારણે સાચી સમજ ધરાવનાર વ્યક્તિ અને એમની વિચારસરણી મોટેભાગે બદનામ થતા રહે છે.

આપણા માનવીય ઇતિહાસ ને જોતા અને આજની પરિસ્થિતિને સમજતા એક વાત જણાય છે, દરેક લોકોને એક જ વિચારધારા સાથે સાંકળી રાખવું ખૂબ જ અઘરું અથવા અશક્ય બાબત જણાય છે. કારણકે જેટલા માથા તેટલા મત-મતાન્તરો!!! આવી બાબતો, એકતાના સમીકરણોને તહસનહસ કરી નાંખે છે અને સામાજિક એકતાના પરિબળોના અવરોધક બને છે.

...આભાર😊

૪.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 અત્યાર સુધી બધું ઠીકઠાક ચાલતું રહ્યું, પરંતુ કહેવાતા આધુનિક શિક્ષણે લોકોને એક એવી સ્થિતિમાં લાવી મુક્યા જ્યાં નીતિ અને નિયમોને એક અલગ જ બાબત ગણી એને મૂળભૂત શિક્ષણથી વેગળુ કરી દેવામાં આવ્યા અને નવી શિક્ષણનીતિના પ્રણેતાઓએ આધુનિક જગત માટે એમની શિક્ષણ નીતિ શ્રેષ્ઠ છે એવો પ્રચાર પ્રચલિત કરી દીધો અને એમાં એવો સફળ રહ્યા. આવું શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકો પણ પોતે "ભણેલા ગણેલા" છે એવા ભાવ સાથે સમાજમાં માનસન્માન પામતા ગયા.  આ આધુનિક શિક્ષણ આખા માનવસમાજ પર હાવી થઈ ગયું.જેનો કોઈ પર્યાય આજના માનવી પાસે દેખાતો નથી અને આવા શિક્ષણના પુરસ્કર્તા અને હિમાયતી એવા લોકો પોતાની આ નીતિઓ પર મુસ્તાક છે!! 

આનાથી વિરુદ્ધ કેટલાક લોકો માનવીય મૂલ્યોનું રક્ષણ કરવા હેતુ પોતાના સંઘટનો બનાવતા ગયા કારણકે ધાર્મિક મૂલ્યોનું કે માનવીય નીતિઓનું આજના આધુનિક યુગમાં કોઈ મૂલ્ય નહોતું આવા ધાર્મિક માન્યતા ધરાવનાર લોકો હાંસિયા માં ધકેલાઇ ગયા. આધુનિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ કે માન્યતા એવા બે ભાગ પડી ગયા.. ધાર્મિક માન્યતા વાળા જુનવાણી ગણાવા લાગ્યા અને આધુનિક શિક્ષણ વૈશ્વિક સ્તરે વિકસતું ગયું આજના માણસ પાસે આના સિવાય બીજો પર્યાય નહોતો, જેનાથી માનસિક શાંતિ હણાતી ગઈ.

પરંતુ માનવસ્વભાવ, અને ખાસ કરીને કહેવાતો શિક્ષિત માનવસ્વભાવ, પોતાને ગમ્યું અને પોતાને જેટલું સમઝમાં આવ્યું એને જ સત્ય છે, એમ માની બીજા બધાની માન્યતાનો છેદ ઉડાવતો ગયો, જેમાં ધાર્મિક સંઘટનો કે પંથ મોખરે રહ્યા, આવા માનવીઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે કોઈપણ હદે જવા તૈયાર થયા..જેને કારણે કટ્ટરવાદ અસ્તિત્વમાં આવ્યો દરેક વ્યક્તિ પોતાની માન્યતા કે ધર્મ બીજા પર થોપવા માટે તૈયાર હતો જેઓ એમની વાતોમાં આવતા ગયા એમનો સાથ સહકાર લઈને પોતાની કટ્ટરતા બીજા અનુયાયીઓને આપતો ગયો અને આ કટ્ટરવાદ એવો વકર્યો, કે સમાજમાં શાંતિ નિર્માણ કરવાને બદલે અશાંતિનો માહોલ નિર્માણ થયો. જેઓ ખૂબ જ વિલક્ષણ બુદ્ધિ ધરાવતા તથા પ્રભાવશાળી વાણી ધરાવતા હતા એવા લોકો, બીજા એમનાથી ઓછી સમજ ધરાવનાર પર સિકંજો જમાવતા ગયા, આવા ઓછી સમજ ધરાવનાર અને વિવેકહીન લોકોએ સમાજની અવ્યવસ્થા નિર્માણ કરવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે!!

...વધુ આગલા લેખમાં😊

આભાર.

૩.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 પરિવર્તન એ સંસારનો નિયમ છે!! 

આ આધુનિક કબીલાઓ એ પોતાના નીતિનિયમો ને શ્રેષ્ઠ માની, જે કોઈ એના સંપર્કમાં આવતા ગયા, એમને યેનકેન પ્રકારે પોતાની માન્યતાઓ સાથે સાંકળતા ગયા અને પોતાનો વ્યાપ વધારતા ગયા. હવે આ માનવ સમૂહ ,જે અમુક હજાર લોકોનો હતો એ જનસંખ્યાના મુકાબલે,હવે લાખો અને કરોડોની સંખ્યામાં વધતો ગયો.આવા અમુક નીતિનિયમો સાથે સંકળાયેલા લોકોની માન્યતા એજ આજનો ધર્મ!!

હવે માનવી બુદ્ધિશાળી બન્યો, એકમેક ને નડવાથી થતા નકારાત્મક પરિણામોથી અવગત થતા, લોકો એકબીજાના ધર્મનો આદર કરવા લાગ્યા...અહીં થી સર્વધર્મ સમભાવ નું સૂત્ર ચલણમાં આવ્યું..જેના લીધે મહત્તમ ધર્મોએ એકબીજાની ગમતી અને સુસંગત બાબતોને પોતાની માન્યતા કે ધર્મમાં સમાવવાની શરૂઆત કરી અને નવા નવા ધર્મો અને પંથો કે માન્યતાઓ અસ્તિત્વમાં આવી!!

....વધું આગલાં લેખમાં😊

અભાર.

૨. માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 

*વિચારો દ્વારા સમાજનું ગઠન*

આજ સુધીમાં માણસને, સારા વિચારોનું મહત્વ સમજાવા લાગ્યું, એટલે સારા વિચારોવાળા, બુદ્ધિમાન લોકોનું સન્માન થવા માંડ્યું. હવે દરેક બીજા લોકો, જેઓ પોતાના જીવનમાં પ્રગતિ ઇચ્છતા હતા, તેઓ સારા વિચારવાન લોકોના સંપર્કમાં રહી શીખવા માંડયા, જેને કારણે જેઓ ખરેખર સન્માનયોગ્ય લોકો હતા, એવા લોકોએ સુંદર અને સુધડ સમાજના ઘડતર માટે નીતિનિયમો બનાવ્યા જેમાં સર્વને માટે એક સુલભ અને સુંદર જીવન સહજ થઈ પડે, આ નીતિનિયમો શીખવા માટે લોકો રસ લેવા લાગ્યા, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્વમા આવી !!!

સમાજને એક તાંતણે બાંધવાનો જ્ઞાનવાન અને વિચારકોનો પ્રયાસ થતો જ રહ્યો. પરંતુ માનવસમાજનું એક નકારાત્મક પાંસુ એ રહ્યું છે કે, દરેક વ્યક્તિ જે પોતાનું વૈચારિક યોગદાન સમાજમાં આપતી રહીં, તેઓ પોતાના વિચારોમાં, જે સમાજના કલ્યાણમાટે વિચારવામાં આવ્યા હતા, એની સાથે બાંધછોડ કરવા તૈયાર નહોતા.  અહીં એકમેકના વિચારો સાથે સંઘર્ષ થવા લાગ્યો..અને આ સંઘર્ષમાંથી વિરોધ, જે સમય જતાં ફરી પાછા ઇતિહાસના પુનરાવર્તનના નિયમ મુજબ કબીલાઓમાં પ્રસ્થાપિત થવા માંડ્યા!! 

....વધુ આગલા લેખમાં😊

આભાર.

૧.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 માનવ અને માનવ સમાજ

સામાજિક એકતાનો મૂળભૂત પાયો, એટલે દરેકને એકમેક પ્રત્યે આદરભાવ અને સહાનુભૂતિ ની દ્રષ્ટિએ જોવા માટેનો એક માણસનો બીજા માણસ સાથેનો માનસિક કરાર!!

આ કરાર વર્ષો પહેલા માનવસમાજમાં હતો, જ્યારે માણસ નાના નાના કબીલામાં રહેતો, રઝળપાટ કરતો અને પોતાના પરિવાર ના સ્ત્રી અને બાળકો તથા કબીલા ના અન્ય લોકો પ્રત્યે આદરભાવ તથા કબીલાના સરદાર કે મુખીયાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ જીવન નિર્વાહ કરવાની અનુમતિ સાથે અંકુશમાં રહેતો.

ધીરે ધીરે, અન્ય કબીલાના લોકો એકબીજાના કબીલામાં દખલગીરી કરતા થયા, અને પોતાનો કબીલા અને સરદાર કે એમના નીતિનિયમો શ્રેષ્ઠ છે એવું પોતાના કબીલાના લોકોને ઠસાવતા ગયા આ એ વખતની જરૂરત હતી, પરંતુ થાય છે એવું કે તમે લોકોને જ્યારે કઈંક સમજાવવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારામાના જ અન્ય કેટલાક લોકો તમારા વિરુદ્ધ વિચારવાનું આરંભ કરી દે છે...લોકોને શિક્ષિત કરવાના કાર્યનું આ એક નકારાત્મક પાંસુ છે માનવ સ્વભાવ નું એક અભિન્ન અંગ. જેના પરિણામ સ્વરૂપે, જ્યારે કબીલાના સરદાર કે મુખીયાની, કબીલા પર ની પકડ ઢીલી થાય છે ત્યારે વિદ્રોહ વેગ પકડે છે...અને જૂનો સરદાર પોતાની શારીરિક અક્ષમતા કે માનસિક અસહિષ્ણુતાને કારણે હાર સ્વીકારી લે છે, અને આ નવા લોકોને પોતાની રીતે પોતાનો કબીલા, બનાવીને રહેવાની છૂટ આપે છે.  આ રીતે કબીલા ના કબીલા ઠેર ઠેર બનતા ગયા જેનું મૂળ કારણ અંદરોઅંદરની વ્યવહારિક કે માનસિક વિસંગતતા જ હતી.

સમયાંતરે, આમાના કેટલાક કબીલાઓ, માનસિક રીતે વિચાર કરતા થયા, અને માનસિક વિકાસ સાધતા ગયા. હવે આ કબીલામાં સરદાર કે મુખીયો એકલો નહતો પણ એની સાથે બીજા સાહસિક અને બુદ્ધિશાળી લોકો પણ પોતાના કબીલાના વિકાસ કે કલ્યાણ માટે ગતિશીલ બન્યા, અને બીજા કેટલાક લોકો જુના કબીલા સાથે, જૂની રૂઢિઓ સાથે, પોતાની જાતને સીમિત રાખીને, પોતાનું જીવન નિર્વાહ કરતા રહ્યા જેઓ આજની દૃષ્ટિએ અવિકસિત જ રહ્યા.

જેઓ વિચારશીલ હતા, તેઓ બધા એકી સાથે, એકથી વધુ લોકોને સાથે લઈને, વિકાસ સાધતા ગયા અને જીવનને વધુ સુંદર, સહનિય અને ગતિમાન બનાવતા ગયા, આવા વિકસિત, એકરૂપ, સુસંઘટીત અને સંસ્કારી અને સુસંસ્કૃત લોકોનો સમૂહ એટલે આજનો આપણો આજનો પ્રગતિશીલ માનવસમાજ!!

.....વધુ આગલા લેખમાં😊

આભાર.